વસુધૈવ કુટુમ્બકમ પત્રિકા

પ્રેમ આધારિત સમાજ રચના - Gift Economy

વસુધૈવ કુટુમ્બકમ ( વિશ્વ એક કુટુંબ છે )

ઘણા બધા લોકો આ ‘વસુધૈવ કુટુમ્બકમ’ વાક્યને ગર્વથી બોલે છે પરંતુ તેમાંથી કેટલા લોકો તેના અર્થને મૂળથી સમજે છે? વળી, કેટલાક તો સમજ્યા વગર તેના પર ભાષણો પણ આપી દે છે. વસુધૈવ કુટુમ્બકમ જે મૂળ સંસ્કૃત વાક્ય છે. ઋષિ મુનિઓએ આ વિચારને હજારો વર્ષો પહેલાં આપ્યો હતો. આ વિચારને સર્વ વ્યક્તિઓ સમજીને જીવે અને તે મુજબની સમાજરચના બને તો જ આ જગતમાં સુખાકારી કાયમી જાળવાઈ રહેશે. પૂરું જગત એક કુટુંબ તરીકે કેવી રીતે જીવી શકે તે સમજવા આપણે એક આદર્શ કુટુંબ વ્યવસ્થાની મદદથી સમજીએ.

૧. કુટુંબમાં સર્વ કોઈ આપણું હોય છે : આ જગતમાં આપણે આપણા નાના કુટુંબને છોડીને કોઈને પણ આપણા ગણતા નથી. બીજાઓને મારા ના ગણવાનું આપણને નાનપણથી જ આપણા કુટંબ અને સમાજ તરફથી સીધી કે આડકતરી રીતે શીખવાડવામાં આવે છે. આ મારું પેલું તારું એવા સ્પષ્ટ ભેદ આપણને બતાવવામાં આવે છે. એવા જ બીજા અનેક પ્રકારના ભેદ આપણને સમજાવવામાં આવે છે.  જેવા કે, જાતિવાદ, ઈશ્વરવાદ, ધર્મવાદ, પ્રદેશવાદ, રાષ્ટ્રવાદ વગેરે, વગેરે. જેમ કે હું શીખ છું, પેલો ખ્રિસ્તી છે ( ધર્મવાદ ); હું શિવભક્ત છું તે કૃષ્ણભક્ત છે  ( ઈશ્વરવાદ ); હું રાજસ્થાની છું, તે બંગાળી છે ( પ્રદેશવાદ ); અમારી ભાષા જ શ્રેષ્ઠ છે ( ભાષાવાદ );  હું ભારતીય છું, તે પાકિસ્તાની છે  ( રાષ્ટ્રવાદ ). આ બધા વાદ એ મનુષ્યોએ પેદા કરેલ ભ્રમ માત્ર છે. જે આપણને એકબીજાથી અલગ કરે છે. મનુષ્ય તરીકે આપણે સૌ એક સમાન જ છીએ. સૌના શરીરમાં એક સરખું લાલ લોહી વહે છે. સૌને ખાવું પીવું, અને ઊંઘવું પડે છે. સૌને એકસરખી જન્મ-મરણ, બાળ-યૌવન-વૃદ્ધાવસ્થા, બીમારી વગેરે અવસ્થાઓ આવે છે. સૌને એકસરખી લાગણીઓ મળી છે. સૌને બુદ્ધી અને શરીરબળ મળ્યું છે. સૌ એક જ ધરતીમાતાના સંતાન છીએ. તો આપણી વચ્ચે આવા ભેદ પાડવાનો કોઈ જ મતલબ નથી. આપણી આંખો પરથી આપણે આ ભેદના ચશ્માંને ઉતારીને જોઈશું તો જ આપણે વસુધૈવ કુટુમ્બકમને સમજી શકીશું અને તેને સાકાર કરવા આગળ વધીશું.

૨. કુટુંબમાં કાર્યની વહેંચણી સમજણથી થાય છે : એક કુટુંબમાં જરૂરી કાર્યો ક્ષમતા/કુશળતા, રૂચી અને જરૂરીયાત મુજબ સમજણથી વહેંચીને કરી લેવામાં આવે છે. ભારે વજન ઉંચકવાના કાર્યો કુટુંબનો યુવા પુરુષ વ્યક્તિ સમજીને કરી લેશે. સામાન્ય રીતે કપડાં ધોવાં, જમવાનું બનાવવું જેવા કાર્યો ઘરની પુખ્ત સ્ત્રી સભ્ય કરી લેશે. તેમાં ક્યાંય નાનું મોટું કાર્ય એવો ભેદ નહિ હોય. જરૂર મુજબ કાર્યની ફેરબદલ પણ થશે. અહી દરેક રીતે સમજદારીથી કાર્ય થાય છે. અહીં કોઈ માલિક અને નોકર જેવો ભેદ હોતો નથી. આ આખા વિશ્વની વ્યવસ્થા પણ વિવિધ કાર્યોથી ચાલે છે પરંતુ વર્તમાન આર્થિક ગોઠવણમાં કાર્યો આપણે માત્ર રૂપિયા કમાઈ લેવાના ઉદ્દેશથી જ કરીએ છીએ, જેના લીધે ક્યારેક ખુબ જરૂરી કાર્ય પણ જો રૂપિયા ના કમાઈ દેતું હોય તો આપણે નથી કરતા. અને કોઈ કાર્ય સામાજિક રીતે કંઈ પણ ઉપયોગી ના  હોય પરંતુ રૂપિયા કમાઈ દેતું હોય તો આપણે કરીએ છીએ. જેનું વરવું પરિણામ એ છે કે વિશ્વના ૫૦% થી વધુ લોકો પોતાને ના ગમતું કાર્ય/નોકરી/ધંધો કરી રહ્યા છે. વાસ્તિવક રૂપમાં દરેક વ્યક્તિએ પ્રથમ તે કામ કરવું જોઈએ કે જે વિશ્વ માટે સૌથી જરૂરી હોય અને ત્યાર બાદ તે કાર્ય કરવું જોઈએ કે જેમાં તેમની સૌથી વધુ રૂચી અને કુદરતી ક્ષમતા હોય. જે કાર્ય વ્યક્તિગત અનન્યતાને અનુરૂપ હોય. અને તે રીતે આખા વિશ્વના કાર્યોની વહેંચણી થવી જોઈએ. જે આજના વિશ્વમાં નથી થઇ રહ્યું. આટલા પ્રગત વિશ્વમાં પણ મોટે ભાગે લોકો તે નથી જાણતા કે પોતાની રૂચી/કુશળતા કયા કાર્યમાં છે અને જેઓ જાણે છે તેમાંના મોટે ભાગે લોકોને તે કાર્ય કરવા માટે આ આર્થિક માળખું નડતર બને છે. મને વૃક્ષો સાથે લગાવ છે પણ વૃક્ષો ઉગાડવાના અને સંવર્ધનના કાર્યથી મને રૂપિયા નહિ મળે તો તે કાર્ય હું નહિ કરું.

૩. કુટુંબમાં વસ્તુઓ વેચવામાં આવતી નથી :  એક કુટુંબમાં ખુબ વ્યક્તિગત વસ્તુઓને છોડીને લગભગ દરેક વસ્તુ દરેક સભ્ય માટે હોય છે. જેનો સીધો મતલબ કે કુટંબમાં કોઈ પણ વસ્તુ અંદરોઅંદર વેચવામાં આવતી નથી. તમે ક્યારેય સાંભળ્યું કે પિતાએ પોતાની જમીન કે મકાન પોતાના દીકરાને વેચ્યું હોય? કદી સાંભળ્યું કે ક્યારેય પત્નીએ પતિને ઘરકામ કરવાના, જમવાનું બનાવવાના કે કપડા ધોવાના રૂપિયા માંગ્યા હોય? કુટુંબમાં દરેક કાર્ય સમજદારી અને જવાબદારીથી કરી લેવામાં આવે છે અને વસ્તુઓ જરૂર મુજબ એકબીજાને આપવામાં કે વહેંચી લેવામાં આવે છે. આજના વિશ્વમાં આપણે દરેક આપણા નાના કુટુંબની બહાર આપણી ક્ષમતા, આવડત કે વસ્તુઓને નોકરી કે ધંધા મારફતે વેચીએ છીએ. આપણે એવા સમાજમાં છીએ કે જ્યાં દરેક વ્યક્તિ કાયદાકીય રીતે વ્યક્તિગત માલિકી સ્થાપીને બેઠી છે અને દરેક તે માલિકી ત્યારે જ છોડે છે કે વસ્તુઓને આપે છે જયારે કોઈ બીજો તે વસ્તુની સામે કિંમત ચૂકવે. કેટલાક લોકો પ્રસિદ્ધિ મેળવવા વસ્તુઓને આપે છે મતલબ કે પ્રસિદ્ધિ મેળવવાની કિંમત વસ્તુઓના રૂપમાં ચૂકવે છે અને પ્રસિદ્ધિ નહિ મળે તો વસ્તુઓ નહીં આપે. આ પ્રકારની સામાજિક વ્યવસ્થાનું પરિણામ એ છે કે એક તરફ વસ્તુઓ પડી રહે છે અને બીજી તરફ જરૂરીયાતવાળી વ્યક્તિઓને તે વસ્તુ નથી મળી રહી. રૂપિયાના આધાર પર ચાલતી વેચવાની/ધંધાની આ વ્યવસ્થાને લીધે વિશ્વમાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે જેનો અનુભવ આપણે દરરોજ કરીએ છીએ. ત્યાં સુધી કે તે વસ્તુ એક નાના કુટુંબને પણ નથી છોડતી. રૂપિયાના કારણે જ આપણે વર્ષો સુધી પતિ પત્નીના સંબંધમાં દહેજ પ્રથાના દુષ્પરિણામો વરસો સુધી જોયા છે. અને આજે ભાઈ ભાઈ પણ આ રૂપિયાના વ્યવહારોને લીધે એકબીજાથી અલગ થાય છે અને ક્યારેક તેમની વચ્ચેનો ઝગડો કે મારામારી કોર્ટ સુધીપણ જાય છે. દેવું વધી જવાથી કેટલાય લોકો આત્મહત્યા પણ કરે છે. ગરીબ – અમીર વચ્ચે અનુભવાતી દુરી આપણામાંના દરેક દરરોજ અનુભવે છે. સત્તા, માલિકી, રૂપિયા અને વેચવાની આ સમાજ વ્યવસ્થાને લીધે સર્જાયેલી સમસ્યાઓ પર ૧૦૦૦ પાનનું પુસ્તક લખીએ તોય નાનું પડે. આ વ્યવસ્થાને તોડવી ખુબ જરૂરી છે.

પ્રેમની સત્તા : સત્તા ૨ પ્રકારે હોઈ શકે. અ) પ્રેમની સત્તા, બ) ડર અને કાયદાની સત્તા. એક આદર્શ કુટુંબમાં હોય છે પ્રેમની સત્તા. પોલીસ અને સરકાર વડે ફેલાય છે ડર  અને કાયદાની સત્તા. વધુ રૂપિયાવાળી વ્યક્તિઓ રૂપિયા વડે સંપત્તિ ખરીદી/વિકસાવીને તે સંપત્તિની રખેવાળી કરવા માટે ખરીદેલા/નોકરિયાત પહેલવાન/ચોકીદાર કે પોલીસ બેસાડી આપણને ડર અને કાયદાની સત્તા બતાવે છે. આવી બાંધેલી મોટી જમીન ઘણી વાર આપણે વણવપરાયેલી કે માત્ર થોડા જ વ્યક્તિઓનું હિત સાધતી જોઈએ છીએ. કેટલાય મકાનો અને દુકાનો વગર વપરાયેલા વર્ષોથી માત્ર તાળું લાગેલા હોય તેવાં જોઈએ છીએ. આવી સત્તામાં આપણી અને તેમની વચ્ચે ખુબ મોટું અંતર રહે છે. આવી વર્તમાન આર્થિક-સામાજિક વ્યવસ્થામાં ક્યાંય પોતાનાપણું વિકસી ના શકે. અને જેથી ક્યારેય વસુધૈવ કુટુમ્બકમ સાકાર ના થાય.  

સત્તા જો હોય તો પ્રેમની સત્તા હોય. વસુધૈવ કુટુમ્બકમ એ પ્રેમની સત્તા છે. પ્રેમની સત્તા સ્વયં પ્રગટ થાય છે. જે દિલ પર રાજ કરે છે. જે હુકમ અને ડરથી નથી ચાલતી પરંતુ પ્રેમની તાકાતથી ચાલે છે. પ્રેમમાં સર્વ કાર્યો આપોઆપ થાય છે. સૌ કોઈને હું પોતાના સમજું અને સર્વ કોઈ મને પોતાનો સમજે ત્યારે અમારી વચ્ચે કોઈ અંતર ના હોય. પૃથ્વી ઉપર બીજા મનુષ્યોથી સંપત્તિની રખેવાળી કરવાની જગ્યાએ પ્રેમથી જોડાયેલા આપણે સૌ સામુહિક રીતે તેનો એવી રીતે ઉપયોગ કરી શકીએ જેથી સર્વનું હિત સધાય. વર્તમાન આર્થિક-સામાજિક વ્યવસ્થા સર્વનું હિત સધાય તેવી નથી. આવી સત્તાનું નિર્મુલન કરવું પડશે અથવા તેનું પ્રેમની સત્તામાં રૂપાંતરણ કરવું પડશે. મનુષ્યોની મોટે ભાગે સમસ્યાઓને સમજદારી અને પ્રેમ વડે ઉકેલી શકાય તેમ છે. મનુષ્યોની વ્યવહારિક સમસ્યાઓ માટે ડર અને કાયદાઓની જરૂર નથી જ. 


વર્તમાન આર્થિક-સામાજિક વ્યવસ્થાના બંધન અને મર્યાદામાં અનેક સામાજિક સંસ્થાઓ અને વ્યક્તિગત શુભ-ભાવનાવાળા લોકો કાર્ય કરતા હોવાં છતાં સર્વનું હિત સધાતું નથી. પરિસ્થિતિ વધુ ને વધુ બગડતી જાય છે. આ વ્યવસ્થા આમ જ ચાલવા દીધી તો આવતા વર્ષોમાં બીજાં કેટલાં દુષ્પરિણામ ( કળિયુગ ) આવશે તેનો વિચાર કરી જોજો. આપણે સમજદારી દાખવીએ તો આપણે પોતે જ સતયુગ લાવી શકીએ તેમ છે.


વિશ્વની કાયમી સુખાકારી માટે આપણે વસુધૈવ કુટુમ્બકમ કે પ્રેમ આધારિત સમાજ વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે. જેના માટે એક નાના આદર્શ કુટુંબમાં જીવીએ છીએ તેવી રીતે આખા વિશ્વને કુટુંબ બનાવી જીવવાની જરૂર છે. વિશ્વમાં સૌનું હિત સધાય, વધુ સારી નવી વ્યવસ્થા સ્થપાય અને જેથી કાયમી સુખાકારી જળવાય તે માટે ઘણા બધા લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને તેઓએ તેવી વ્યવસ્થાને પોતાની રીતે વિવિધ નામ આપ્યા છે. જેમ કે Gift Economy, Resource Based Economy, Sacred Economics, Moneyless World વગેરે. Google અને Youtube પર આ શબ્દોથી શોધવાથી આ વિષયની ભરપુર માહિતી મળી શકશે.  આ વિષય પર વધુ માહિતી માટે આ વિષયનાં પુસ્તક eb55.blogspot.com/2018/10/eb.html, આ વેબસાઈટ પરથી ફ્રી ડાઉનલોડ કરો. જેમાં એક ગુજરાતી પુસ્તક પણ છે. આ પુસ્તકમાં આ પ્રેમ આધારિત વિશ્વની જરૂરિયાત અને તેના સ્વરૂપને થોડું વિસ્તારથી વર્ણવ્યું છે. ત્યાંથી આ પત્રિકાની PDF copy પણ ડાઉનલોડ કરી શકશો.



પ્રેમ આધારિત સમાજનું નિર્માણ કરવાથી ડરનું પ્રેમમાં, શરતોનું વિશ્વાસમાં, તણાવનું આનંદમાં, સ્પર્ધાનું સહકારમાં અને અછતનું સમૃદ્ધિમાં રૂપાંતર થશે. જેના વડે એવો માનવ સમાજ નિર્માણ થશે કે જેથી પૃથ્વી પરનો દરેક વ્યક્તિ સારી જીંદગી જીવી શકે. 

Comments

Popular posts from this blog

Free E-Books Download Links

Why Don't I Earn Money?

કુદરતના કાયદા અને માનવના નિયમો