મોંઘવારી કેમ વધતી જાય છે?


આપણને દરેકને કોઈ દુકાનદાર કે વેચનાર તેની વસ્તુનો ભાવ વધારે તો પસંદ નથી આવતું. તમે ધંધાદારી હોય અને તમારે ત્યાં કામ કરનાર વ્યક્તિ પગાર વધારો માગે તો તમને પસંદ નથી આવતું. પણ આપણે પોતે જ કોઈ વસ્તુ વેચતા  હોય કે નોકરી કરતા હોય ત્યારે આપણને વધારે ભાવ મળે, વધારે પગાર મળે તો ખુબ ખુશી થાય છે. આપણી સાથે યોગ્ય થયું તેમ આપણે માનીએ છીએ. ત્યારે ભગવાનની કૃપા, આપણું નસીબ, આપણી મહેનત અને બુદ્ધિ  તેમ  બધાના વખાણ કરવા લાગીએ છીએ. આપણને દરેકને ધનવાન થઈ જવું છે પણ પાછા આપણે દરેક જણ ભાવવધારા સામે વિરોધમા ઊભા થઈ જઈએ છીએ. મારા દાદા તેમના સમયમાં એક રૂપિયામાં 500 ગ્રામ ચવાણું લાવતા. અને આજે તે પચાસ રૂપિયાથી ઓછા ભાવે નથી મળતું, મતલબ કે કિંમતો ૫૦ ગણી વધી ગઈ. એટલે કે ૫૦ ગણો ભાવ વધારો થયો. કોઈએ મને મજાકમાં વાત સમજાવી હતી કે ઉંમર અને મોંઘવારી કોઈ દિવસ ઘટી શકે જ નહીં. અને મને તેમની વાત પૂરેપૂરી સાચી લાગી હતી. 

આ મોંઘવારી કેમ વધે છે? કેમ વધતી જ જાય છે? 

આપણો માનવ સમાજ એકબીજા ઉપર આધારિત છે અને દરેક વ્યક્તિ અથવા કુટુંબ દીઠ કેટલાક વ્યક્તિ આર્થિક ઉપાર્જન કરે છે. દરેક વ્યક્તિને વધારે જોઈએ છે, અને દરેકને ધનવાન થઈ જવું છે. 

આ હકીકત ઉપર એક કાલ્પનિક ઉદાહરણ લઈએ. એક ટાપુ ઉપર સો વ્યક્તિઓ રહે છે. જેમનો વ્યવહાર, માત્ર આ ટાપુ ઉપરના લોકો સાથે જ સીમિત છે. મતલબ કે, આ સો લોકો જ અંદરો અંદર વ્યવહાર કરે છે. આ સો માંથી દરેક વ્યક્તિ, આર્થિક ઉપાર્જન કરવા માટે કોઈ વસ્તુ વેચવાનું કાર્ય કરે છે. આ રીતે તેઓ એકબીજા પર આધારિત રહી, દરેક બીજા 99 લોકોને પોતાની વસ્તુ વેચે છે, તો સામે તે જ રીતે દરેક વ્યક્તિ બીજા 99 પાસેથી જરૂરત મુજબ વસ્તુની ખરીદી કરે છે. આ દરેકે દરેક વ્યક્તિને ધનવાન થઈ જવું છે. પરંતુ કેવી રીતે તેવું બધા જાણતા નથી. આ સો વ્યક્તિમાંથી કોઈ દસ વ્યક્તિ પોતાની વસ્તુનો ભાવ વધારો કરે છે. કેમકે જરૂરિયાતો બદલાઈ નથી તેથી  90 લોકો પહેલાના મુજબ જ વસ્તુની ખરીદી ચાલુ રાખે છે. જેથી આ 10 લોકોની આવકમાં વધારો થવા લાગે છે. તેમની સમૃદ્ધિ વધવા લાગી, પરંતુ કોના ભોગે? આ સમૃદ્ધિ તે બીજા પાસેથી વધારો એટલે કે વધુ રૂપિયા લઈને થઈ છે. આ 10માંથી જેને વસ્તુની જરૂર પડે, તે વ્યક્તિ આ 9 વ્યક્તિ પાસેથી ખરીદે ત્યારે જ તેમને પણ વધુ કિંમત ચૂકવવી પડતી, પરંતુ બીજાં  90 લોકો પાસેથી વસ્તુ ખરીદતી વખતે, પહેલાના જેટલી જ ઓછી કિંમત ચૂકવવી પડતી. એટલે કે સરેરાશ તેમને ફાયદો થતો અને સમૃદ્ધિમાં વધારો થતો. પરંતુ પેલા 90 લોકોને, આ 10 લોકો પાસેથી ખરીદી વખતે, વધુ કિંમત આપવી પડતી, પરંતુ સામે તેમને કોઈ વધારાની આવક થતી નહોતી, તેથી ધીરે ધીરે તેમની સમૃદ્ધિમાં ઘટાડો થવા લાગ્યો. આ ૯૦ લોકો લાંબા ગાળે આર્થિક રીતે નબળા થવા લાગ્યા. જેથી તેમની સામાન્ય જીંદગી પણ મુશ્કેલ થવા લાગી. જેનાથી બચવા 90 જણે પણ નાછૂટકે વારાફરતી પોતાની વસ્તુનો ભાવ વધારો કર્યો. હવે પેલા 10 જણે પોતાની સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે ફરીથી ભાવ વધારો કર્યો. આ ૯૦ જણે પણ ભવિષ્યમાં ફરીથી ભાવ વધારો કર્યો. જે એક વિષચક્ર બની ગયું અને ભાવવધારાની અનંત પ્રક્રિયા ચાલતી રહી. 

તમે કહેશો કે આજના વિશ્વમાં વસતી સતત વધતી જતી હોવાથી વસ્તુનો ભાવ વધારવાની જગ્યાએ વસ્તુ વધારે લોકોને વેચીને સમૃદ્ધ થઈ શકાય છે. તે સામે હકીકત એ છે કે વધતી વસ્તીમાં દરેકને આર્થીક ઉપાર્જન કરવું પડે છે, અને તેથી તે આર્થિક ઉપાર્જન કરવા માટે દરેક વખતે, દરેક વ્યક્તિ માટે , નવો ધંધો શરૂ કરતી વખતે, નવી વસ્તુ બજારમાં આવી ન શકે પરંતુ તેની તે જ વસ્તુને બીજો કોઈ પણ વેચવાનું શરૂ કરે, તેથી તમે જે વસ્તુ વેચતા હોય તે જ વસ્તુ વેચનારા બીજા લોકો પણ બજારમાં ઊભા થવા લાગે અને તેથી હરીફાઈ વધે અને તેથી વધુ લોકોને વસ્તુ વેચવાની વાત ઘણી વાર શક્ય નથી બનતી. 

આજનું અર્થકારણ કે અર્થશાસ્ત્ર અતિશય ગુંચવાડા ભર્યું હોવાથી મારા-તમારા જેવા સામાન્ય વ્યક્તિની સમજમાં આવે તેમ નથી. છતાં કદાચ સો કારણોમાંનું આ એક કારણ છે તે મને સમજાય છે, જેના લીધે ભાવ વધારો કરવો જ પડે તો જ ધનવાન થવાય તેવી હકીકત દર્શાવે છે. જે વાત સો વ્યક્તિના સમુદાયને લાગુ પડે છે તે જ વાત આ વિશ્વ ને લાગુ પડે છે.  માનો કે તમારા ઘરમાં આવતી વસ્તુઓમાંથી 10 વસ્તુના ભાવમાં વધારો થાય છે તો તમારા ઘરના અર્થકારણમાં તકલીફ પડવાની જ. તમારે તમારી આર્થિક પ્રવૃત્તિ જો નોકરી હોય તો તેમાં વધુ પગારની માગણી કરવી પડે અથવા તમે કોઇ ધંધાદારી હોય તો તમારે ભાવનો વધારો કરવો જ પડશે, અને આ વિષચક્ર આગળ ચાલશે. આપણે કોઈ પણ નોકરી શોધીએ અથવા ચાલુ કરીએ ત્યારે સૌથી વધુ પગાર કોણ આપે છે તે પહેલું જોઈએ છીએ.  આગળ જતાં કેટલો પગાર વધારો થઈ શકે તેના પર પ્રથમથી જ આપણી નજર હોય છે. અને જો બે વર્ષમાં પગાર વધારો ન થાય તો ચોક્કસપણે આપણે તે નોકરી છોડવાના જ. જ્યારે દરેકને વધુ જોઈતું હોય તો તે સમજાય તેવી વાત છે કે મોંઘવારી વધશે જ અને તે  વિષચક્ર જ બને. અને મોંઘવારી વધતી જ રહેવાની.

તે સાવ સામાન્ય વાત મેં સમજી છે કે પેટ્રોલિયમના ભાવ વધે એટલે બધી વસ્તુના ભાવ વધી જાય. તેવું જ ખેત ઉત્પાદનના ભાવ વધે તો પણ બધી વસ્તુઓના ભાવમાં વધારો થાય.

ક્યારેક તમે કોઈને તેમ કહેતાં જરૂર સાંભળ્યા હશે કે, “સાહેબ, આટલી બધી મોંઘવારી વધી ગઈ, દરેક વસ્તુના ભાવ વધી ગયા તો આટલા ઓછા પગારમાં અમને કેવી રીતે પોષાય? અમારું ગુજરાન કેવી રીતે ચાલે?” અથવા “અડદની દાળની કિંમતો એકદમ વધી ગઈ એટલે પાપડની કિંમત વધારવી પડી.”  અથવા પેટ્રોલની કિંમતો વધી એટલે અમારે રિક્ષાભાડું વધારવું પડ્યું.”


Comments

Popular posts from this blog

Free E-Books Download Links

Why Don't I Earn Money?

Glimpse of Love Based World