ચર્ચાઓની ઉપયોગીતા, લોકતંત્ર અને ચૂંટણી પ્રક્રિયા

જ્યારે કોઈ પણ નવી વાત એવી આવે કે જે સત્ય તો હોય પરંતુ આપણી માન્યતાથી વિરુદ્ધ હોય તો આપણને કડવું લાગે છે. આપણને આપણી માન્યતા બદલવા માટે તકલીફ પડે છે. બસ એવું જ કંઈક થાય છે, આ રાજકારણની ચર્ચાઓમાં.  આખી વ્યવસ્થા ખોટા પાયા પર ઉભી છે અને તેથી જ કોઈપણ પક્ષ ભ્રષ્ટાચારથી મુક્ત નથી. અને કોઈપણ પક્ષે સરકાર તરીકે ખૂબ ઉમદા કહી શકાય  તેવાં કાર્યો કર્યા નથી.  એટલે ચર્ચામાં જ્યારે હવે કોઈ બીજો મારી ગમતા પક્ષ વિશે સત્ય વાત રજૂ કરે જેમાં તે પક્ષની નબળાઈ છતી થતી હોય ત્યારે મને અસહ્ય લાગે.  અને તેને લઈને હું તેના બચાવમાં પોપટ દલીલો કરું છું અને કારણ વગરની ચર્ચા કરું છું.  સત્ય સાથે ચાલવાની હિંમત બહુ થોડા લોકો જ બતાવી રહ્યા છે.

આપણે શું એટલા નિષ્પક્ષ ન થઈ શકીએ કે આપણે આપણી પોતાની જ માન્યતાની વિરુદ્ધ જઈને સત્યની ચકાસણી કરી શકીએ? સત્ય સુધી પહોંચવાની હિંમત બતાવી શકીએ? પછી આમાં કોઇનો પક્ષ લેવા જેવું આવે જ નહિ. સત્યનો પક્ષ રાખવા માટે હું જ્યારે મારો પોતાનો પણ પક્ષ ના લઉ, તો પછી મારા સગા સંબંધી, મારી જાતિ, મારા ધર્મ કે મારા માનીતા રાજકીયપક્ષ કે નેતાની તરફેણ કરવાનો  સવાલ જ પેદા નથી થતો.

ચર્ચાઓ થવી હમેશા સારી વાત છે. કેમકે ચર્ચા કરવામાં દરેક જણ પોતાનો અભિપ્રાય, પોતે જોયેલી અનુભવેલી - અવલોકન કરેલી વાત, પોતે અભ્યાસ કરેલી વાત ચર્ચામાં મૂકે તેથી જે વાત, જે હકીકત હું ચર્ચામાં મુકું તેનો અભ્યાસ બીજા ઘણા બધા લોકોએ ન કરેલો હોય જે તેમને જાણવા મળે અને તેવું જ મારા માટે પણ બને કે જેનો અભ્યાસ મેં ન કરેલો હોય તેવી હકીકતો બીજા લોકો ચર્ચામાં મૂકે અને મને જાણવા મળે. સરવાળે બધી જ હકીકતો મોટેભાગે ખુલ્લી થઈ જાય. અને તે સૌથી ઉત્તમ વાત છે કે હવે સત્ય આપણી સામે હોય. બસ આપણામાં આપણી માન્યતાથી વિરુદ્ધ જઈને સત્યનો હાથ પકડવાની તૈયારી હોવી જોઈએ. આપણામાં ખેલદિલી હોવી જોઈએ.

WhatsApp, Facebook  હોય કે તેવા જ ચર્ચાના બીજા ઓનલાઈન માધ્યમ હોય, તે દરેકમાં પણ આવી જ રીતે બધી હકીકતો સામે આવી રહી છે. પરંતુ ખૂબ થોડા લોકો આ બધી હકીકતોનું સરવૈયું જે સત્ય સામે આવે, ત્યારે તેને સ્વીકારવાની હિંમત બતાવી શકે છે. બાકી તો સામેવાળાને તોડી પાડવા માટે ખોટી દલીલો અને ગાળાગાળી કરવી અને  તેવી મર્દાનગીરહિત વર્તણુક બતાવવી  તેવું મોટેભાગે લોકો કરે છે.

ગર્વ લેવા જેવું ખરેખર હોય તો જરૂર લેવો જોઈએ, પરંતુ આ શું થઈ રહ્યું છે?  જૂઠી વાતોનો ગર્વ લેવા માટે દલીલો વપરાઈ રહી છે. નબળાઈને છુપાવવા આક્ષેપબાજી થઈ રહી છે.

 અહીંયા સત્યની જરૂરિયાત કેમ છે?

આ માત્ર પક્ષને પ્રેમ કરવાની વાત નથી. કોઈ નેતાને કારણ વગર માથે ચડાવવાની વાત નથી, તે કોઈ પણ નેતા અને પક્ષ હોય.

જેને આપણે ગવર્મેન્ટ કે સરકાર કહીએ છીએ તે શું છે?

આ જાહેર સંપત્તિનું સંચાલન કરવા, જાહેર સંપત્તિનો લોકહિતમાં ઉપયોગ કરવા, આપણે કેટલાક લોકોને હક આપીએ છીએ. તેઓ આપણા કે આપણે તેઓના ગુલામ નથી. પરંતુ અહીં શું થઇ રહ્યું છે?  આપણે તેમને સત્તાધારી કહીએ છીએ. મતલબ કે તેઓ રાજા અને આપણે ગુલામ. આ શું મૂર્ખતા છે

તમને જાતે કરીને ગુલામ બનવાનું કેમ પોષાય છે
કોઈને પણ તમારા ઉપર સત્તા ન ભોગવવા દેશો.
આપણા ધર્મશાસ્ત્રોનો આખરી સંદેશો એ મોક્ષ એટલે કે મુક્તિ એટલે કે સ્વતંત્રતા છે. તો મોક્ષ તરફ જવાની કોશિશ કેમ નથી? પ્રથમ પગથિયે જ આ માનસિક ગુલામી કેમ કરી રહ્યા છો?

આમ તો  બધા  હું આમ છું, હું તેમ છું, આટલો મોટો છું, કહીને  પોતાને રાજા બનાવવાની કોશિશમાં છે તો આ ગુલામ જેવી વર્તણુક શું કરવા માનવ હિતમાં કાર્ય કરવું હોય, તો ભલે કરતા. પરંતુ પોતાના નામ આગળ ખોટા ઉપનામ લગાડીને તમે પોતાની જાતને મૂર્ખ બનાવો છો. વાસ્તવિક કામ તો કંઈ કરતા નથી, કૂતરાની જેમ હાડકું ચૂસીને પેટ ભરાવાનો સંતોષ માણે છે.

તેઓને આપણે જાહેર સંપત્તિના સંચાલનનો હક આપીએ છીએ. તેઓને સંચાલનનો હક મળ્યા પછી કંઈક સારા કામ કર્યા હશે તો જરૂર એ સારી વાત છે. તેના માટે તો તેમને તે હક આપ્યો હતો. પણ જે નથી કર્યું તે, લોકહિત કરવામાં ચૂકી ગયા છે તે, ન કરવાની તેવી ખોટી વસ્તુ કરી ચૂક્યા છે. તેનું શું?
આપણે તે યુગમાં છીએ જ્યાં આપણી પાસે, માહિતી ખૂબ સરળતાથી ઉપલબ્ધ છે. તો આ નેતાઓના કે તેમના ચમચાઓના કહેવાથી હકીકતોનો અભ્યાસ કર્યા વગર વાતો માની લેવાની, પોતે મૂર્ખ બનવાનું અને અંધભક્તિ કરવાનું તે આ યુગના માનવને કેમ પોસાય છે?

જાગો જાગો જાગો..
હવે ક્યાં સુધી મૂરખ બનશો?
ક્યાં સુધી બીજા લોકોને તમને મૂર્ખ બનાવવા દેશો?

હકીકતોને તપાસવા પૂરતો સમય આપો. કેમ કોઈનું કહેલું એક ઝટકે માની લો છો? અટકો, અભ્યાસ કરો, તમારી બુદ્ધિની પુરી કસરત કરીને તપાસો. કોઈપણ જાતિ, ધર્મ, સંસ્થા, વ્યક્તિ, વિચારધારા, પક્ષ વગેરેને અનુસરતા પહેલા તમે જાતે દરેક રીતે, દરેક વાતે પોતે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકો તેમ છો તો પછી આ માનસિક ગુલામી શા માટે ?

તેમની એક વાત, એક સામાન્ય નિર્ણય પણ આ કેટલી મોટી પ્રજાના જીવનને અસર કરે છે! આ કેટલી મોટી જવાબદારી છે! તેનો નાનો સરખો પણ દુરુપયોગ ન થવો જોઈએ.

તેઓ માટે યોગ્ય નિર્ણય લેવાના રસ્તાઓ છે જ. પ્રદેશનું સંચાલન ભલે તમને સોંપ્યું, પરંતુ જ્યારે દરેક નિર્ણય સંવેદનશીલતા સાથે લેવાનો હોય ત્યારે ખોટા આત્મવિશ્વાસથી દોરાઇને કે વિશ્વાસઘાત ન થાય તેને ધ્યાનમાં રાખીને નિષ્પક્ષપણે, સર્વના હિતમાં નિર્ણય લેવાય તેના માટે માત્ર થોડાક વ્યક્તિઓ જ નહી પરંતુ જરૂર પડે તો સમાજના બીજા દીર્ઘદ્રષ્ટિવાળા, બુદ્ધિશાળી અને અભ્યાસશીલ  લોકોને તમારી સાથે જોડીને, તેમની સાથે ચર્ચા વિચારણા કરીને  બહુ-આયામી અભ્યાસ કરીને નિર્ણય લેવાય. તે કરી જ શકાય એમ છે. આ પ્રક્રિયા કદાચ થોડી ધીમી ચાલે પરંતુ જે નિર્ણય લેવાય તે ઘણું ખરું  સર્વનું હિત સાધે તેવો હોય. જે નિર્ણયમાં જનકલ્યાણ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી હોય. પરંતુ કોઈ પણ પક્ષ કે નેતાઓ તેઓ તેવું કરી નથી રહ્યા.  અને તેથી જ તેઓ સમાજનું અહિત થાય ત્યારે જવાબ આપી નથી શકતા અને સામે ખોટી દલીલબાજી, ખોટી આક્ષેપબાજી કરીને પોતાની ભૂલો છુપાવે છે.  ખૂબ જ પારદર્શી રહીને વહીવટ કરવાનો અને તેવો જ પારદર્શી જવાબ આપવાનો, તે કોઈપણ આ સંચાલન કરતી વ્યક્તિઓ કરી શકી નથી માત્ર ગુમરાહ કરવાની વાતો હોય છે. ચૂંટણી વખતે વિશ્વાસમાં આવી ગયેલી સામાન્ય પ્રજા પછીથી તેમના સામે વિરોધ-દેખાવો કરે છે. 

જે કાંઈ પણ લોકહિતના કાર્ય થયા,  હું તેના વિરોધમાં નથી. આગળ કહ્યું તેમ, લોકહિતનું  કાર્ય કરવા તો તમને આ સ્થાન, આ પદ, આ સંચાલનની જવાબદારી આપી છે. તમે તે જવાબદારી નિભાવવા સક્ષમ છો તેમ સમજીને જ આ જવાબદારી તમને અપાઈ હતી. અને જો તમે તે યોગ્ય રીતે જવાબદારી નિભાવો છો તો તમે ધન્યવાદને પાત્ર છો. અમને થશે કે તમને આ સંચાલનની જવાબદારી સોંપી અમે સાચો નિર્ણય કર્યો હતો.  કરોડો લોકોમાંથી માત્ર તમને જ આટલી મોટી જવાબદારી સોંપાઇ છે તો તેનું મૂલ્ય તમને ખબર હોવું જ જોઈએ અને તમારાથી ઓછામાં ઓછી ભૂલો સાથે પૂરેપૂરી જવાબદારી સાથે પૂરેપૂરી પારદર્શિતા સાથે, લોકહિતનું કાર્ય થવું જ જોઈએ. જો તમે તે નથી કરી શકતા તો, તમારી અંદર એટલી પ્રમાણિકતા તો હોવી જ જોઈએ કે તમે તેનો ખુલીને સ્વીકાર કરી શકો. તે પદ છોડી શકો.

તમે સક્ષમ ન હોય તો તમે આ જવાબદારી ન સ્વીકારો અથવા આગળ વર્ણવ્યું તેમ બીજા દીર્ઘદ્રષ્ટિવાળા, બુદ્ધિશાળી અને અભ્યાસુ લોકોનો સહયોગ લઇને સંચાલન કરો.
પરંતુ આ રીતે મૂર્ખ બનાવવાનું કાર્ય ન કરશો. લોકોને નુકશાન કરવાનું કાર્ય ના કરશો. 

આપણા જેવા વ્યક્તિઓનો સામસામે બેસીને કે આ ઓનલાઈન માધ્યમોથી ચર્ચાઓ કરવાનો આખરી મતલબ શું છે?? ચર્ચાઓ કરીને તેની તારવણી કરવાની કે યોગ્ય શું છે. જ્યારે તમે યોગ્યને છો સમજો છો એટલે કે સત્યને સમજો છો અને સત્યને સાથ આપો છો, ત્યારે તમે આ બહોળા જનસમુદાયના ઉજ્જવળ ભવિષ્ય માટેનો સાચો નિર્ણય કરાવવા મદદરૂપ થઇ શકો છો.

આપણા બધાનું આ ચર્ચાઓ વડે આખરી લક્ષ્ય શું છે? માત્ર આક્ષેપબાજી કે બીજું કંઇ? બધાએ તે સારી રીતે સમજવું જોઈએ કે આપણું લક્ષ્ય આક્ષેપબાજી નથી આપણું લક્ષ્ય કોઈ એક નેતા કે પક્ષને આંખો બંધ કરીને પકડી રાખવાની વાત નથી. આપણું લક્ષ્ય છે સર્વ માટે સારા માનવ જીવનની રચના કરવી. તેના માટે આ બહોળી જાહેર સંપત્તિ અને આ બહોળો જનસમુદાયના યોગ્ય સંચાલન માટે, યોગ્ય વ્યક્તિની પસંદગી કરવી.

શું ખરેખર આપણે તેવું કરી રહ્યા છીએ?

શું આપણે પસંદ કરેલા તે વ્યક્તિઓ જેને આપણે સરકાર કહીએ છીએ તેઓ પારદર્શી રીતે, સૂઝબૂજ સાથે, દીર્ઘદ્રષ્ટિ સાથે, આ મોટા જનસમુદાય અને સંપત્તિનું વ્યવસ્થાપન કરી રહ્યા છે?

જનહિતનું કાર્ય કર્યાનો માત્ર દેખાડો કરે છે કે વાસ્તવિક રીતે જનહિતનું કાર્ય કરી રહ્યા છે?

અને જ્યારે પણ જનહિતનું કાર્ય કરવામાં નિષ્ફળ જાય, ત્યારે  તેટલી જ પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે જનતાની માફી માંગે છે? અને જો નિષ્ફળતા પર માફી નથી માંગતા, પ્રામાણિકતા નથી બતાવી શકતા તો સમજો તે દરેક વ્યક્તિ નામર્દ અને નાલાયક છે. તે આપેલા પદ અને જવાબદારી માટે અયોગ્ય છે. 

આખરે આ તંત્ર ઊભું કર્યાનો મતલબ શું છે?
તંત્રનું નામ તમે જે પણ આપો, ગણતંત્ર, લોકતંત્ર કે બીજું કંઈ, તમે કોઈપણ વિચારધારાને અપનાવો તેનું આખરી લક્ષ્ય શું છે? આખરી લક્ષ્ય સર્વ માટે સારા જીવનની રચના કરવી તે છે. શું તે થઈ રહી છે?

ચર્ચામાં આ મુદ્દા ન આવ્યા હોય તો તેને તમારી ચર્ચામાં લો, વિચારો અને સત્ય સુધી પહોંચો, પછી નિર્ણય કરો. પછી કોઈને આ મોટી જવાબદારીઓ સોંપો. 

ચર્ચાઓમાં લડી મરવાથી કોઈનું ભલું થશે?  ચર્ચાનો જે મતલબ છે સત્ય સુધી પહોંચવાનો અને તે રીતે તેનો ઉપયોગ કરો.

==========================

જાહેર સંપત્તિનું સંચાલન કરવા માટે ખરેખર સક્ષમ વ્યક્તિ હોય તેને વગર દલીલે 99 ટકા લોકો સ્વયંભૂ પસંદ કરે તેવું હોવું જોઈએ. મતલબ કે ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન હોય.

ક્યારેક એવું બને કે એક જ વિસ્તારમાં સંચાલન કરવા યોગ્ય એક કરતા વધારે વ્યક્તિઓ હોય તો ક્યાં તેઓ સાથે મળીને સંચાલન કરે અથવા તેઓમાંથી એક વ્યક્તિને અહીંયા રાખી, આ વિસ્તારમાં સંચાલન સોંપી બીજી વ્યક્તિને નવા વિસ્તારમાં જ્યાં કોઈ સંચાલન કરવા યોગ્ય વ્યક્તિઓ નથી તે વિસ્તારમાં સંચાલનની જવાબદારી સોંપાય. હરીફાઈની જગ્યાએ સમજદારી અને સહકારની વાત હોય.
આપણું આખરી લક્ષ્ય સર્વ માટે સારા માનવ જીવનની રચના કરવી તેને ધ્યાનમાં રાખી આ સંચાલન કરવા માંગતી વ્યક્તિ અને તેને સહકાર આપતા કે પસંદ કરતા કે સમર્થન કરતા વ્યક્તિઓ ઉપરની વાતને ધ્યાનમાં રાખે. અને તે મુજબ આખી પ્રક્રિયાને ચલાવે.

હાલની ઇલેકશનની પ્રક્રિયામાં શું થઈ રહ્યું છે?  નામર્દ, નાકામ અને અયોગ્ય વ્યક્તિઓ સંચાલનની જવાબદારી લેવા માટે હરીફાઈમાં ઉતરે છે. કરોડો રૂપિયાની જાહેરાતો, કારણ વગરની રેલીઓ, પોકળ વાતો, જુઠા વાયદાઓ, આક્ષેપબાજી, ધર્મવાદ, જાતિવાદ, નફરત વગેરે ફેલાવીને સામાન્ય પ્રજાને મૂરખ બનાવવાની અને પોતાની પસંદગી કરાવવાની રમતો રમે છે.
હજારો કલાકોનો સમય ફાલતુ રેલીઓ, સભાઓ અને પ્રચાર માટે વપરાય છે અને તેવું જ તે બધી વાતો માટે સંપત્તિ વેડફાય છે. આ જ મહાસભાની બહાર કે તે જાહેરાતના પોસ્ટર નીચે કેટલાક વ્યક્તિઓ ફાટેલા કપડે, ભૂખ્યા પેટે આ બધો તમાશો જુએ અને તેમને કંઈ ના સમજાય. 

સમાજમાં કેટલાક એવા વ્યક્તિઓ હોય જ છે, જે સામાન્ય જનસંપર્કથી, ઓછામાં ઓછી સભાઓ કરીને પોતે ભૂતકાળમાં કરેલા કાર્યો, પોતાના વ્યક્તિત્વના આધાર પર કોઈના પર પણ આક્ષેપબાજી કર્યા વગર, લોકોના દિલમાં સ્થાન હોવાને લીધે પોતાની પ્રામાણિકતા અને પારદર્શિતાની લીધે લોકો જ તેમને આ પદ માટે પસંદ કરે, જ્યાં ચૂંટણીની જરૂરિયાત જ ના રહે.  ક્યાંય થઈ રહ્યું છે એવું? કેમ?

કેમ કે આપણે તેવા ખોટા તંત્રમાં છીએ જ્યાં દંભી ઇલેક્શનની પ્રક્રિયા ચાલે છે જેમાં મોટેભાગે અયોગ્ય, નામર્દ, નાલાયક અને હિંસક લોકો પોતે ઉમેદવાર તરીકે ઉભા થઈ જાય છે. તમારી પાસે પસંદગી હોતી જ નથી અહીં પસંદગી કર્યાનો માત્ર ભ્રમ હોય છે. સમાજનું યોગ્ય સંચાલન કરી શકે તેવા વ્યક્તિઓ આ પ્રક્રિયામાં ભાગ લેતા નથી કેમ કે તેઓ હિંસક લોકોની સામે પોતાની જાતને ઊભા રાખવા તૈયાર ન થાય. અને લોકો પણ બુદ્ધિ વગરની આ ચૂંટણી પ્રક્રિયાને સહયોગ આપીને બે સામ સામે ઉમેદવારી નોંધાવતા બંને ના-લાયક લોકોમાંથી પસંદગી કરવાનું વિચારે છે.

લોકોને લૂંટીને કે ભવિષ્યમાં ખોટા કામ ( ભ્રષ્ટાચાર ) કરાવવાના વાયદા હેઠળ ઉઘરાવેલા રૂપિયા, જેને ચૂંટણીફંડ કહીએ તેના વડે ખોટો પ્રચાર કરીને ચૂંટણીમાં પોતાને વધુ મત અપાવવા, બધા જ તાયફાઓ કરે.

તેમ છતાં પણ દરેક લોકો પોતાની ઈચ્છાથી મૂરખ બનીને આ પક્ષ સારો, પેલો પક્ષ સારો, આ નેતા સારો પેલો નેતા સારો, તેવી બુદ્ધિહીન વાતોને અનુસરીને મતદાન કરવા જાય. તેમના આ એક મતથી આખી આટલી મોટી પ્રજાનું કલ્યાણ થશે તેવી ઉપરથી પ્રસારિત થયેલી જાહેરાતની આ વાતને સ્વીકારી મતદાન પ્રક્રિયાની અંદર પોતાનો સહયોગ આપે અને ચૂંટણી પૂરી થયા પછી રોજ ભ્રષ્ટાચાર અને અન્યાયની વાતોને સામે આવતી જુએ છતાં એ ન સમજે કે આપણે વર્ષોથી આ જ રીતે મુર્ખ બનતા આવ્યા છીએ. 

તેઓ 2 કામ સારા કરે  અને 8 કામ ખોટા કરે પછી આ બે કામને માથે ચડાવીને લોકોને કહે કે જુઓ અમે આ સારું કાર્ય કર્યું. હા એ તો તમારે કરવાનું જ હતું. પણ જે 8 કામ ખોટા કર્યા તેનું શું આઠ કાર્યોમાં તમને ચૂંટણીનું ફંડ આપનાર લોકોને ફાયદો કરાવ્યો અને જેને લીધે આ બહોળી જાહેર જનતાનું અહિત થયું તેનું શું? તેને કેમ છુપાવો છો? આ મુદ્દાને બીજે કેમ વાળી દો છો?

આ ચાલતી પદ્ધતીને, આવા તંત્રને સમજવું પડશે. આવા તંત્રના વિકલ્પો શોધવા જોઈએ. આપણે માહિતીના યુગમાં જીવીએ છીએ. આપણે ઇચ્છીએ તે માહિતી હવે ખુબ સરળતાથી ઉપલબ્ધ છે ત્યારે પણ આપણે આમ ચાલતી પદ્ધતિને મુરખની જેમ અનુસરવાની ચેષ્ટા કેમ કરીએ છીએ?

============================================

Related Videos :

1) UNGRIP (Full Length Movie)

2) Mark Passio - The Cult Of Ultimate Evil - Order-Followers

3) Statism: The Most Dangerous Religion

4) Charlie Chaplin Final Speech


===========================================

Comments

Popular posts from this blog

Free E-Books Download Links

Why Don't I Earn Money?

Glimpse of Love Based World