કોઈ વસ્તુની સાચી કિંમત નક્કી થઈ શકે?

આપણે કોઈ વસ્તુની સાચી કિંમત નક્કી કરી શકીએ? હું માનું છું કે ક્યારેય નહીં. કઈ કિંમતને સાચી કિંમત કહેવાય? મોટેભાગે ખોટી રીતે નક્કી થયેલી કિંમતો સ્થિર થઈ જાય, તોપણ આપણે તેને સાચી કિંમત માનીએ છીએ. કયો માપદંડ છે જે નક્કી કરશે  કે આજ સાચી કિંમત છે? ખરેખર કોઈ માપદંડ છે જ નહીં. જે છે એ માત્ર મનની ધારણાઓ જ છે. માનો કે બજારમાં કોઈ વસ્તુની નક્કી થઈ ગયેલી કિંમત 5000 રૂપિયા છે તો કોઈ તમારી પાસેથી 5010 રૂપિયા લેશે તો તમને એમ લાગશે કે તે મને છેતરી રહ્યો છે. અને કોઈ વસ્તુની કિંમત 20 રૂપિયા હોય અને કોઈ તમારી પાસેથી 22 રૂપિયા લે છે તો પણ તમને લાગે છે કે તે તમને છેતરી રહ્યો છે, તમે કેવી રીતે નક્કી કરી શકો કે વસ્તુની મૂળ કિંમત 5000 સાચી છે? કાલે ઉઠીને કોઈ તમને તે જ વસ્તુ 4500 માં આપશે તો તમને તે કિંમત સાચી લાગવા લાગશે અને 5000 કિંમત જુઠી લાગશે. વળી થોડા દિવસ પછી, કોઈ તે તમને 4200 મા આપશે તો તમને 4500 એ ખોટી કિંમત લાગશે. વળી થોડા દિવસ પછી કોઈ તમને તે જ વસ્તુ, તે જ ગુણવત્તા, તેટલા જ જથ્થામાં 3000 મા આપશે, તો વળી તમને આગળવાળા બધા જ, તમારી પાસેથી, ખૂબ સારો નફો કમાઈ તમને છેતરતા લાગશે. જે વસ્તુની કિંમત 20 રૂપિયા કિલો છે, તેને 500 રૂપિયા કિલો કરી દેવામાં આવે અને તે છ મહિના સુધી ચલાવવામાં આવે તો છ મહિના પછી તે વસ્તુની કિંમત 500 રૂપિયા એ તમને સાચી લાગશે. કોણ કેટલું કમાઈ રહ્યું છે તેનો કોઈ અંદાજ લગાવી ન શકાય. કદાચ કોઈ તમને 500 રૂપિયામાં વસ્તુ આપીને પણ પોતે નુકસાન કરી રહ્યો હોય. જે વસ્તુ તમને ૨૦ રૂપિયામાં મળે છે તેના કોઈ તમારી પાસેથી 25 રૂપિયા લેશે તો તમને લાગશે કે તે તમને છેતરીને વધુ નફો કમાઈ રહ્યો છે. પણ આપણે તે ક્યારેય જાણી ન શકીએ કે વસ્તુ 25 રૂપિયામાં આપીને પણ કદાચ તેને ઘણું નુકસાન ગયું હોય. કદાચ તેને ફાયદો થવા માટે તે વસ્તુની કિંમત 100 રૂપિયાથી વધુ કે 600 રૂપિયાથી વધુ હોવાની જરૂરિયાત હતી. કોઈ માપદંડ નથી. માત્ર ધારણાઓ છે. આપણે તે નક્કી કરી શકીએ કે આપણા શરીરને ચલાવવા માટે એક સમયના ભોજનમાં અંદાજિત કેટલા ગ્રામ પદાર્થ કે ભોજન લેવું જોઈએ, જે હંમેશા ચોક્કસ નથી જ તેમ છતાં એક સરેરાશ નક્કી થઈ શકે છે. માનો કે તે સરેરાશ 400 ગ્રામ છે. તો ઘણું ખરું તે તેની આસપાસ જ રહેશે હા, કોઈ વ્યક્તિ કદાચ ૬૦૦ ગ્રામ  ખાઈ શકે. પરંતુ તે વ્યક્તિ બે કિલો કે તેથી વધુ એક સમયના ભોજનમાં ખાઈ જશે,  તેવું લગભગ  શક્ય નહીં બને. આ ૪૦૦ થી ૫૦૦ ગ્રામ પદાર્થ તમે કોઈને આજે 50 રૂપિયામાં આપો છો, કાલે તેને તમે 800 રૂપિયામાં આપશો અને કહેશો કે આ જ તેની સાચી કિંમત છે, તેટલામાં જ વેચવું  સૌને પરવડે છે, થોડા દિવસ તમને  તેવું લાગશે કે ભરપૂર લૂંટ ચાલી રહી છે. ત્રણ ચાર મહિના તેવું લાગશે, પછીથી તમને પણ 800 રૂપિયા યોગ્ય લાગશે. તે તેની સાચી નવી કિંમત બની જશે. હવે વસ્તુની કિંમત 50 રૂપિયાથી લઇને 800 રૂપિયા સુધી પહોંચી તેથી શું માનવની ભોજન ગ્રહણ કરવાની ક્ષમતા 400 ગ્રામથી વધીને 8 કિલો કે 10 કિલો થઈ જવાની છે? ચોક્કસ પણે નહીં. જે વાસ્તવિકતા છે, જે સત્ય છે તે હંમેશા અચળ રહે છે, જે બદલાય છે તે જુઠ.

હાલના બજારમાં આખી આર્થિક વ્યવસ્થા કેવી રીતે ચલાવવામાં આવે છે, કયા માપદંડો ઉપર, કેવી રીતે વસ્તુઓની કિંમતોને ઉપર નીચે કરવામાં આવે છે, જો તે તમે સમજી શકો તો તમને સમજાશે કે આ ઉપર કહેલી વાત બિલકુલ સાચી છે. આપણે ઊભી કરેલી આ વાહિયાત આર્થિક વ્યવસ્થા કે જેનો કોઇ વાસ્તવિક માપદંડ જ નથી; જે શરતી વ્યવહાર પર ઊભેલી છે; જે છેતરવાના પાયા ઉપર ઉભી છે; તેમાં સાચી કિંમત કે યોગ્ય કિંમત તેવું કશું જ છે નહીં. જે છે એ માત્ર ભ્રમ છે.

આ વ્યવસ્થામાં આપણે વ્યવહાર કરતી બે વ્યક્તિઓને હમેશા એકબીજા સાથે શીત યુદ્ધમાં જોઈએ છીએ. બે વ્યક્તિઓ વ્યવહારમાં એકબીજાનું વાસ્તવિક રૂપમાં ભલુ કરતા હોય તેવુ ભાગ્યે જ જોઈ શકીએ છીએ. સરેરાશ ૪૦૦ ગ્રામ ભોજન જમનાર અને તેને જમાડનાર આ બે વ્યક્તિઓના વ્યવહારમાં બંને એકબીજાના હિતમાં કાર્ય કરવા માટે તત્પર હોય તેવુ ક્યાં જોવા મળે છે?

આટલો પ્રગત માનવ આટલી સાવ સામાન્ય વાત કેમ નથી સમજી શક્યો, તે મારા માટે આશ્ચર્યની વાત છે. અને આ જ પ્રગત માનવી આવી વ્યવસ્થાને  બદલવા માટે સહેજ પણ પ્રયાસ નથી કરી રહ્યો, તે તેના કરતાં પણ મોટા આશ્ચર્યની વાત છે.

એક મહાનુભાવે, એક ખૂબ જ વિચારશીલ અને બુદ્ધિશાળી વ્યક્તિએ આવા જિંદગીના ભ્રમ પર પોતાના વિચારો એક વેબસાઈટ ઉપર રાખેલા છે. જેનું વેબ સરનામું આ છે. http://theillusionsoflife.com/

Comments

Popular posts from this blog

Free E-Books Download Links

Why Don't I Earn Money?

Glimpse of Love Based World